કલ્પના કરો કે શું એવી કોઈ કંપની હોઈ શકે કે જે લગભગ દરેક ઘરની વસ્તુઓને તેની પોતાની બ્રાન્ડ હેઠળ બનાવે અને સેવા આપે. શાકભાજીથી માંડીને કઠોળ, ચોખા, દૂધ જેવી વસ્તુઓ, કપડાં, મોબાઇલ ફોન, ઈન્ટરનેટ કનેક્શન અને પેટ્રોલ-ડીઝલ પણ! આ કંપની સવારના નાસ્તાથી લઈને રાત્રિના બિંજવોચ (Binge-watch) સુધી તમારા જીવનનો એક ભાગ બની ગયો છે.
ભારતમાં લાખો લોકો વિશ્વના 8મા અને એશિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઉત્પાદનો અને સેવાઓ અથવા તેમની સાથે ભાગીદારી કરતી કંપનીઓ પર નિર્ભર છે. ફોર્બ્સની યાદી મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $93.2 બિલિયન એટલે કે લગભગ 7.6 લાખ કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ આ કંપનીની શરૂઆત 1950ના દાયકામાં કપડાંના વ્યવસાયથી કરી હતી. ટેક્સટાઇલથી શરૂ થયેલી કંપનીની સફર આજે એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ અને ડિજિટલ સર્વિસિઝ સુધી ફેલાઈ ગઈ છે. આ કંપની તમને 200થી વધુ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરી રહી છે.