5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2025માં પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમને પંજાબ કિંગ્સ (PBKS)એ 4 વિકેટે હરાવી. પંજાબે 191 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે 72 અને પ્રભસિમરન સિંહે 54 રનની ઇનિંગ રમી. ચેપોક સ્ટેડિયમમાં પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. ચેન્નઈ 19.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. પંજાબે ચેન્નઈને તેના જ ઘરમાં સતત ત્રીજી મેચમાં હરાવી છે.
પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે IPLમાં બીજી વાર હેટ્રિક લીધી. તેણે 19મી ઓવરમાં નૂર અહમદ (0), અંશુલ કંબોજ (0), દીપક હુડા (2 રન) અને એમએસ ધોની (11 રન)ને આઉટ કર્યા. ચહલે 2022માં કોલકાતા સામે પણ એક ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. સેમ કરને 88 રન અને ડેવાલ્ડ બ્રેવિસે 32 રન બનાવ્યા.
ચેન્નઈને 10 મેચમાં 8મી હાર મળી. ટીમ માત્ર 2 જીત સાથે 4 પોઈન્ટ્સ લઈને 10મા નંબર પર જ રહી અને પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ. ચેન્નઈ હવે બાકી રહેલી ચારેય મેચ જીતીને પણ માત્ર 12 પોઈન્ટ્સ સુધી જ પહોંચી શકશે, જે ક્વોલિફાય કરવા માટે પૂરતા નથી.