Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગણેપતિ મહોત્સવનું સમાપન થઇ રહ્યું છે અને જાહેર સ્થળો, સોસાયટીઓ અને ઘરોમાં સ્થાપન કરાવેલા ગણપતિ દાદાની હજારો મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં ગણપતિ વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


મહાનગરપાલિકાએ ગણપતિ વિસર્જન માટે છ સ્થળો નિયત કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા સૂચવાયેલા સ્થળો સિવાયની અન્ય નદીઓ, તળાવ, ડેમ કે અજાણ્યા પાણીમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે છ સ્થળો પર ફાયર શાખાના 110 જવાનો તૈનાત કરાયા છે. દરેક પોઇન્ટ પર ફાયરબ્રિગેડના 15 થી 20 જવાનો ગણેશ વિસર્જનની કામગીરી કરશે.

ગણેશ વિસર્જન માટે આવતા ભાવિકોને પાણીથી પાંચ ફૂટ દૂર રખાશે. તેઓ ગણપતિ દાદાની મૂર્તિની પૂજા કરી લ્યે ત્યારબાદ અમારી ટીમ મૂર્તિ સંભાળી લેશે અને ગણપતિ દાદાનું પાણીમાં વિસર્જન કરશે.

આજી ડેમના બન્ને પોઇન્ટ પર, કાલાવડ રોડ પર વાગુદળ ખાતે અને ન્યારાના પાટિયા પાસે ખાણ હોય ત્યાં ગણપતિ દાદાની મૂર્તિના વિસર્જન માટે ક્રેનની સુવિધા રાખવામાં આ‌વી છે તેમજ ફાયર શાખાના સ્ટાફ ઉપરાંત તમામ પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરેલ છે અને નાગરિકોને ઉપરોક્ત સ્થળ ખાતે જ પૂજા-સામગ્રીનો યોગ્ય નિકાલ કરી આજુબાજુના પ્રાકૃતિક સ્થળોને ગંદકીમુક્ત રાખવા અનુરોધ કરવામાં આવે છે.