પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ડુરંડ લાઇન પર તણાવ વધ્યો છે. મંગળવારે તાલિબાન શાસકોના સૈન્યએ પાકિસ્તાનની મિલિટરી ચેકપોસ્ટ પર કબજો કરી લેતાં પાકિસ્તાની સૈનિકોને પારોઠનાં પગલાં ભણવા પડ્યાં હતાં. આ પોસ્ટ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વીય વજીરિસ્તાન વિસ્તારની કુર્રમ એજન્સીમાં છે. સૂત્રોના કહેવા પ્રમાણે અફઘાની સૈન્યએ અહીં ભારે મોર્ટાર અને બૉમ્બમારો તથા સૈનિક હુમલો કરીને ચેકપોસ્ટ પર કબજો કર્યો હતો. અહીં પાકિસ્તાનની એકથી વધુ ચેકપોસ્ટ છે. આથી સ્થિતિ વધુ ન વણસે તે માટે પાકિસ્તાની સેનાએ ત્યાંથી જવાનો હટાવી લીધા છે.
બે દિવસ પહેલાં જ પાકિસ્તાનના જેએફ-17 યુદ્ધવિમાનોએ અફઘાનિસ્તાનમાં ખોસ્ત અને પકટિકા વિસ્તારોમાં ભારે બૉમ્બમારો કર્યો હતો. ત્યાર પછી પાકિસ્તાનના હુમલામાં 8 મહિલા અને કેટલાંક બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ‘અમે પાકિસ્તાન સામે બદલો લઈશું’ તેમ અફઘાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું. આથી અફઘાન સૈન્યે મંગળવારે સવારે ડુરંડ લાઇન પર ઘાતકી હુમલો કર્યો હતો.