Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રીય મંત્રી અમિત શાહ 22મીએ રાજકોટ આવી રહ્યા છે તે પૂર્વે જ રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ જાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ સામે આવ્યા બાદ તેના ડ્રાઈવરને છુટા કરી દેવાયા હતા. મીડિયા સમક્ષ આવેલા લીલુબેન જાદવ ભાવુક થયા હતા. વાતચીતમાં કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે. લીલુબેન વધુમાં જણાવ્યું હતું કે, હાલ હું કંઈ વધુ નહીં કહું બે દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ.


લીલુબેનના આ નિવેદન બાદ રાજકોટ ભાજપ પ્રમુખ અને મેયરના નિવેદન પણ સામે આવ્યા છે. મેયરે કહ્યું કે, લીલુબેનની જે કંઈ વેદના હોય તે મને કહેવી જોઈએ. જ્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું- લીલુબેનના જે પ્રશ્ન હતા તેનો ઉકેલ આવી ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જણાવ્યું હતું કે, હું મીડિયા મિત્રોને શાંતિથી બધું કહીશ પરંતુ અત્યારે હું કંઈ કહેવા માગતી નથી. આ સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા. બાદમાં તેમણે કહ્યું કે બે દિવસમાં તૈયારી કરી અને ત્યારબાદ તમને સમગ્ર હકીકત કહીશ. હું ડરમાં નથી પણ મારી તૈયારી કર્યા બાદ 2 દિવસ પછી હું જવાબ આપીશ. મારા ડ્રાઇવર ભાઈઓને કાઢી મૂકવામાં આવ્યા અને તેઓને અન્યાય થયો તેની લડતમાં હું અટવાઈ ગઈ છું.

મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે- શાસકપક્ષના નેતા તેમણે ભાવુક થઈને કહ્યું કે હું અત્યારે કઈ બાજુ જઈ રહી છું તે મને પણ ખબર નથી. ગરીબ માણસને ન્યાય મળે તેવા મારા પ્રયત્નો છે. સોમનાથ, દ્વારકા અને અંબાજીનો પ્રવાસ કઈ રીતે ભેગો થાય ?, મારી લોગ બુક તમે જોઈ લેજો. હું જાત્રા કરવા માટે નહોતી ગઈ પરંતુ ગાંધીનગર મારા કામ માટે ગઈ હતી અને પૂનમ હોવાથી મારા પરિવાર સાથે અંબાજી ગઈ હતી પરંતુ હું સોમનાથ અને દ્વારકા નહોતી ગઈ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે મારી છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ બાબતે ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં વાત કરેલી છે.

મહત્વની વાત એ છે કે અગાઉ એવો આક્ષેપ થયો હતો કે લીલુબેન જાદવ સરકારી ખર્ચે જાત્રા કરવા માટે પહોંચ્યા અને તેઓ સોમનાથ, દ્વારકા અને અંબાજી ફરવા ગયા હોવાનો આક્ષેપ થયો હતો જો કે તે આક્ષેપોને લીલુબેને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે હું ગાંધીનગર મારા કામથી ગઈ હતી અને પૂનમ હોવાથી માત્ર અંબાજી જ ગઈ હતી.