વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય પ્રવાસ પર મંગળવારે રાત્રે લગભગ 10 વાગે અમેરિકા પહોંચ્યા હતા. અહીં તેઓ લગભગ 24 સેલિબ્રિટીઓને મળ્યા. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો. ટેસ્લાના સહ-સ્થાપક અને ટ્વિટરના માલિક ઈલોન મસ્ક પણ તેમને હોટેલ લોટે ન્યૂયોર્ક પેલેસમાં મળવા આવ્યા હતા.
મીટિંગ બાદ મસ્કે કહ્યું- હું મોદીજીનો ફેન છું. તેઓ ખરેખર ભારતની ચિંતા કરે છે અને તેઓ દેશના હિતમાં જ બધુ કરવા ઇચ્છે છે. અન્ય મોટા દેશ કરતાં ભારતમાં બિઝનેસ માટે વધુ અવકાશ છે.'' મસ્કે જણાવ્યું કે તેઓ વર્ષના અંત સુધીમાં ભારતમાં ટેસ્લાની ફેક્ટરી માટે લોકેશન ફાઇનલ કરશે. પીએમ મોદીએ મસ્કને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ અંગે મસ્કે કહ્યું- હું આવતા વર્ષે ભારત આવીશ.
ઇલોન મસ્ક વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગે ચર્ચા કરી શકે છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી સરકાર અથવા ટેસ્લા દ્વારા મિટિંગના એજન્ડા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.