માના નવલાં નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના અલગ અલગ માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. ત્યારે વાત ગુજરાતના એક એવા મંદિરની જે વર્ષમાં નવરાત્રિ દરમિયાન જ ખુલ્લે છે. જૂનાગઢના માંગનાથ મહાદેવના પટાંગણમાં આવેલા હીરાગીરી માતાજીના મંદિરના દ્વાર ફક્ત નવરાત્રિ દરમિયાન જ ખુલ્લે છે. લોકોના કહ્યા મુજબ હીરાગીરી માતાજીનું આ મંદિર 750 વર્ષ જૂનું છે અને માતાજી સાથે રોચક કથા જોડાયેલી છે. નવરાત્રિ દરમિયાન અહીં ભક્તો આસ્થાપૂર્વક દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.
જૂનાગઢમાં આવેલા દરેક મંદિરની જેમ હીરાગીરી માતાજીનું આ મંદિર પણ પોતાનો આગવો ઇતિહાસ અને મહત્ત્વ ધરાવે છે. આ મંદિરને આશરે 750 વર્ષ જૂનું માનવામાં આવે છે. મહંત દેવાંગ ગોસ્વામી બાપુના જણાવ્યા અનુસાર હીરાગીરી માતાજી મૂળ ઉત્તર ભારતના હરિદ્વારના વતની હતા. તેઓ ગીરના જંગલ વિસ્તારમાં ગાયો ચરાવતા અને તપ-સાધના કરતા.તેઓ માંગનાથ મહાદેવના પરમ ભક્ત એવા પૂજ્ય માંગા ભટ્ટ સાથે પરિચયમાં આવ્યા અને તેમની પ્રેરણાથી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા લાગ્યા. હીરાગીરી માતાજીની દિવ્ય શક્તિઓ અને ચમત્કારોથી પ્રભાવિત થઈને માંગા ભટ્ટે તેમને માંગનાથ મહાદેવ મંદિરની સેવા-પૂજાની જવાબદારી સોંપી હતી.