મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો - મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો અને રૂપિયો 87.96ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો, જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રૂપિયો ઝડપી રિકવર થયો હતો.