શાયર રાવલ રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 68 કરોડના ફર્નિચર કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર કોઈ એક ચોક્કસ એજન્સીને ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યું હોવાની અરજીઓ વિવિધ વિભાગોને મળી હતી. આ મામલો છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. આ બાબતની રાજ્યપાલ, ચીફ સેક્રેટરી અને ઉદ્યોગ મંત્રીની કચેરીમાં ફરિયાદ થઈ છે. આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા કચેરી આદેશ થયો છે. આ યુનિવર્સિટી રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના 100 ટકા અનુદાનથી ચાલતી સંસ્થા છે. ફરિયાદ સંદર્ભે નાયબ ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા યુનિવર્સિટી સમક્ષ ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટીએ એન.પ્રોક્યોર મારફત પ્રસિદ્ધ કરેલ ટેન્ડરમાં GEM સિવાય અન્ય કોઈ પૂર્વ મંજૂરી મેળવેલ હતી કે નહીં તેની સ્પષ્ટતા માગી છે. જેના જવાબમાં ટ્રાયબલ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવે એન.પ્રોક્યોરના માધ્યમથી ટેન્ડર પ્રક્રિયા કરવા અંગે અત્રેની કચેરીને અન્ય કોઈ વિભાગ કે કચેરીની એનઓસી લેવાની આવશ્યકતાની જોગવાઈ નથી. તેથી રજૂઆત મુજબની કોઈ બાબત પ્રાથમિક કક્ષાએ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેમ જવાબ રજૂ કર્યો હતો. રાજ્યના એક મંત્રી અને તેમના પત્નીએ દિલ્હી સ્થિત એજન્સીને કામ અપાવવા જવાબદારી લીધી હોવાની ચર્ચા છે.