રાજકોટ મનપા દ્વારા નિયુક્ત સફાઈ એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામદારોના ખાતામાં નિયમ મુજબ પૂરા 12,500 રૂપિયા જમા કરાવ્યા બાદ, તેમને ડરાવી-ધમકાવીને તેમાંથી 6000 રૂપિયા રોકડા પરત પડાવી લેવામાં આવતા હતા. આ રીતે, ગરીબ કામદારોને ખરેખર રૂપિયા મળતા જ ન હતા. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પરેશ બેડીયા અને તેમની ટીમે આ ગેરરીતિનો વીડિયો બનાવીને કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડ્યો છે. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટરના મેનેજર અને સુપરવાઈઝર ભાગી ગયા હતા.
સરકારી નિયમો અનુસાર, સફાઈ કામદારોનો પગાર સીધો તેમના બેંક ખાતામાં જમા થવો જોઈએ. જેમાં મનપાની આ એજન્સી પણ આ નિયમનું પાલન કરતી હોવાનો દેખાવ કરતી હતી. તે કામદારોના બેંક ખાતામાં પૂરા રૂ. 12,500 જમા કરાવતી હતી, પરંતુ ત્યારબાદ તેમને ધમકાવીને અથવા ડરાવીને તેમાંથી રૂ. 6,000 રોકડા પરત લઈ લેતી હતી. આ રીતે, કામદારોને ખરેખર મળવા પાત્ર રકમ મળતી જ ન હતી, બાકીના પૈસા એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલાકીપૂર્વક છીનવી લેવામાં આવતા હતા. આ ગેરરીતિનો વીડિયો કામદાર યુનિયન પ્રમુખ પારસ બેડિયા અને તેની ટીમે બનાવ્યો હતો. જેમાં એજન્સીના કર્મચારી વચેટિયા મારફતે પૈસા પરત લેતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.