રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિભાગોનાં 38 વિકાસ કાર્યો માટે રૂ. 25 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં રોડ-રસ્તાનાં કામો તેમજ 10 કરતા વધુ ગામડામાં આંગણવાડી બનાવવા સહિતના કામનો સમાવેશ થાય છે. આ તકે જિલ્લા પંચાયતનાં સ્થળાંતર ખર્ચમાં થયેલા કથિત કૌભાંડ મામલે કારોબારી સમિતિના ચેરમેન પી. જી. કયાડા ગોળ-ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા. એક તરફ તેઓ તપાસ ચાલુ હોવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ આ કૌભાંડ માટે માત્ર અધિકારીઓને જ જવાબદાર ઠેરવીને પદાધિકારીઓની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગ્યું હતું.
તપાસ હજી શરૂ થઈ નથી, CMના કાર્યક્રમોનું આપ્યું બહાનું કારોબારી સમિતિનાં ચેરમેન ક્યાડાએ જણાવ્યું હતું કે, સ્થળાંતરનાં ખર્ચમાં કૌભાંડનાં આરોપો અંગે તપાસ ચાલુ છે, પરંતુ CM (મુખ્યમંત્રી) સહિતના કાર્યક્રમો હોવાથી તપાસ થઈ શકી નથી. આગામી 15 થી 30 દિવસમાં આ અંગેનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. તેમજ દોષનો ટોપલો અધિકારીઓ ઉપર ઢોળવાના પણ સ્પષ્ટ સંકેત તેમણે આપ્યા હતા. અને જણાવ્યું હતું કે, જો કૌભાંડ સાબિત થશે તો તે માટે જે-તે અધિકારીઓ જ જવાબદાર ગણાશે.
જિલ્લા પંચાયતનાં સ્થળાંતરનો ખર્ચ મંજૂર કરનારા પદાધિકારીઓ કેમ જવાબદાર નહિ? તેવું પૂછવામાં આવતા કયાડાએ જિલ્લા પંચાયતની સત્તાઓ મર્યાદિત હોવાનો રાગ આલાપ્યો હતો. અને જણાવ્યું કે, જિલ્લા પંચાયત માત્ર પોસ્ટ ઓફિસ છે. અમારી પાસે કોઈ સત્તા નથી. અમે સરકારના ધારા ધોરણો મુજબ જ કામ કરી છીએ. આમ, એક તરફ સ્થળાંતર ખર્ચની તપાસ ચાલુ છે, બીજી તરફ કારોબારી સમિતિના ચેરમેને પહેલેથી જ પદાધિકારીઓને ક્લીન ચિટ આપીને માત્ર અધિકારીઓ પર જ જવાબદારી ઢોળી દેવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે.
સ્થળાંતર ખર્ચના બિલ કારોબારી સમિતિમાં મુકાયા નથી સ્થળાંતર ખર્ચના આ કથિત કૌભાંડ મામલે કયાડાએ સ્પષ્ટતા કરી હતી કે, જિલ્લા પંચાયત સ્થળાંતર અંગેનું બિલ કારોબારી સમિતિમાં મૂકવામાં આવ્યું નથી. આ ટ્રાન્સફર ખર્ચ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ થયેલો છે. આ ખર્ચ એક કામ દીઠ રૂ. 1,00,000 (એક લાખ) થી લઈને રૂ. 2,00,000 (બે લાખ) સુધીનો થયો છે. હાલમાં આ ખર્ચ ખરેખર યોગ્ય છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. કાર્યપાલક ઈજનેર અને અન્ય અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખર્ચ અંગેનું સત્ય સામે આવશે.