વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ જામનગર-અમૃતસર ભારતમાલા નેશનલ હાઇવે પ્રોજેક્ટને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની પૂરી ન થઇ શકે તેવી ડિમાન્ડ માટે છેલ્લા 21 દિવસથી અટકાવી દેવાયો છે અને આટલું ઓછું હોય તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ બે વર્ષ પહેલાં બનેલી ડિઝાઇનમાં NHAIના નિયમો વિરુદ્ધ ફેરફાર કરવાનો નનૈયો ભણી દેનાર ડીજીએમ હરેન્દ્રસિંઘની તાત્કાલિક અસરથી જોધપુર બદલીનો હુકમ કરી દેવાયો છે.
ભાજપના નેતાની ખોટી ડિમાન્ડ પૂરી ન કરનાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીએ એક સાંસદના ભારે દબાણને વશ થઇને આ બદલી કરી નાખ્યાની ચર્ચા થઇ રહી છે ત્યારે NHAIના આ નિર્ણયથી અધિકારીઓમાં પણ કચવાટ પ્રસરી ગયો છે. જ્યારે બીજીબાજુ આ રોડનું કામ ભાજપના જ કાર્યકરોએ અટકાવી દીધાનું બહાર આવ્યું છે ત્યારે હકીકતમાં ખેડૂતોના હિતમાં રોડનું કામ અટકાવાયું છે કે પછી નેતાઓના ઇશારે? તે તપાસનો વિષય છે.
ભાજપના નેતાઓની અણછાજતી માગણીને વશ ન થનાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ કચેરીના ડેપ્યુટી જનરલ મેનેજર હરેન્દ્રસિંઘની જોધપુર બદલી કરી નાખવામાં આવી છે અને તેના સ્થાને જોધપુરથી ડીજીએમ અબ્દુલ્લાખાનને મુકાયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક સાંસદના દબાણથી આ નિર્ણય કર્યાની ચર્ચા છે ત્યારે છેલ્લા અઢી વર્ષથી રાજકોટ રિજિયનમાં નીતિમત્તા અને ઇમાનદારીથી નોકરી કરતા અધિકારીને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટકાવનાર રાજકોટ જિલ્લા ભાજપના નેતા માટે બદલી કરી દેવાતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે અને આ નિર્ણયના આગામી દિવસોમાં અધિકારી વર્ગમાં પણ ઘેરા પડઘા પડવાની શક્યતા સેવાઇ રહી છે.