શીવરાજપુર ગામ નજીક ગઢડા રોડ પર આવેલ પેટ્રોલપંપ પર ડિઝલ બાકીમાં ભરવાની ના પાડતાં ત્રણ શખ્સોએ આતંક મચાવી પેટ્રોલ પંપની ઓફીસ અને મશીનરીમાં તોડફોડ કરી રૂ.1.50 લાખનું નુકશાન કરી ધમકી આપી હતી. તોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જસદણના આટકોટ રોડ પર સરદાર પટેલ નગર ગંગાભુવનમાં રહેતાં ભરતભાઈ મનુભાઈ જેબલીયા (ઉ.વ.50)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ આલકુ વાળા, છત્રપાલ મંગળુ ધાંધલ અને શિવકુ રામ પટગીરેનું નામ આપતાં જસદણ પોલીસે બીએનએસ એકટ 328 (3), 324(5), 351(3), 352, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીવરાજપુર ગામ નજીક ગઢા રોડ પર ન્યારા કંપનીના સુર્યનારાયણ પેટ્રોલપંપનું સંચાલન કરે છે. તા.7.7.2024ના રાત્રિન આશરે 9.30 વાગ્યે તેઓ પેટ્રોલપંપ પર હાજર હતા ત્યારે ફોન આવેલ અને કહેલ કે, હુ પુથુભાઈ બોલુ છુ તેમ કહી ગાળો બોલવા લાગેલ અને મારી નાખવાની ધમકી આપેલ જેથી, તે બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલ ત્યારે પેટ્રોલપંપ પર કામ કરતા અનેશ પરમારનો ફોન આવેલ અને વાત કરેલ કે, હું ઘરે જમવા આવેલ છુ અને આપણા પંપે કામ કરતા સહુલ મૂવાણાનો ફોન આવેલ છે કે, પંપ પર પૃથ્વીરાજ વાળા અને તેના માણસો પેટ્રોલપંપ ઉપર તોડફોડ કરે છે. જેથી તેઓ પોલીસ સ્ટેશન પરથી નીકળી ગયેલ અને ત્યારે પૃથ્વીરાજનો ફોન આવેલ અને વાત કરેલ કે, તારો પેટ્રોલ પંપ તોડી નાખ્યો છે અને હવે તુ ભેગો થા તો તારૂ પણ પૂરું કરી નાખવું છે.