મસ્કે 15 જ મિનિટમાં અનેક ટ્વિટ કરીને એપલ અને ટિમ કૂક પર નિશાન સાધ્યું હતું. મસ્કે લખ્યું કે, ‘અહીં શું ચાલી રહ્યું છે, ટિમ કૂક?’ ‘આ એવું પગલું છે, જે નવા યુઝર્સને એપ ડાઉનલોડ કરતા રોકી દેશે. આ કાર્યવાહી સેન્સરશિપ સમાન ગણાશે.’
મસ્કે એપલ પર એવા સમયે નિશાન સાધ્યું છે, જ્યારે તેઓ જાહેરખબરની આવક પર નિર્ભર રહેવાના બદલે સબ્સ્ક્રિપ્શનમાંથી 30% આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન કોંગ્રેસમાં ઓપન એપ માર્કેટ એક્ટ લાવવાની પણ તૈયારી થઈ રહી છે. આ એક્ટમાં ડેવલપર્સને એપ પર વધુ નિયંત્રણના અધિકાર આપવાનો પ્રસ્તાવ કરાયો છે. તેમાં એપલ અને ગૂગલ એપ દ્વારા વસૂલાતી ફીમાં 20% ઘટાડો કરવાનો પણ પ્રસ્તાવ છે.
મસ્ક હવે એપલના વડા ટિમ કૂક સામે ટકરાવાના મૂડમાં
મસ્કે એપલના વડા ટિમ કૂકનું વર્ચસ્વ ખતમ કરવા એક લડાઈ કરવાનો પણ સંકેત આપ્યો છે. મસ્કે કહ્યું છે કે, એપલ સામે યુદ્ધ માટે હું તૈયાર છું. નોંધનીય છે કે, અમેરિકા જ નહીં, પરંતુ દુનિયાભરમાં આઈ ફોન અને આઈપેડના કરોડો યુઝર્સ છે. ટ્વિટર સહિતની કંપનીઓએ યુઝર્સ સુધી પહોંચવા એપ સ્ટોર સુધી જવું પડે છે.