રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકાર તરફથી સર્વે અને સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ બાદ અનેક સવાલો ઉઠાવ્યા છે અને સરકારને “બે મોઢાની વાતો બંધ કરવાની” માંગ કરી છે.
પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, “સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ? સરકાર મૌખિક રીતે કહે છે કે, સર્વે 7 દિવસમાં થશે, પરંતુ પરિપત્રમાં 20 દિવસની મુદત આપેલી છે. કઈ વાત સાચી માનવી?” તેમણે જણાવ્યું કે ગ્રામ સેવકોને મૌખિક આદેશ આપવામાં આવ્યા છે કે, માત્ર મગફળીના ડેડવા ફોલ્યા પછી જો દાણા સડી ગયા હોય ત્યારે જ નુકસાન ગણવાનું. “તો પછી સરકાર આ આદેશને લેખિતમાં કેમ નથી કરતી?” એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો.
જ્યાં 1 થી 15 ઈંચ વરસાદ પડ્યો છે ત્યાં સર્વે કરવાની શું જરુર? આંબલિયાએ વધુમાં કહ્યું કે, “જ્યાં 1 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યાં સર્વે કરવાની જરૂર શું છે? સર્વેના નાટક બંધ કરી સરકાર ખેડૂતોના દેવા માફ કરે.” તેમણે પત્રમાં લખ્યું છે કે છેલ્લા 7 સીઝનમાં ખેડૂતો વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવા કુદરતી આફતોનો ભોગ બન્યા છે. છેલ્લા બે વર્ષમાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે. તેમણે જણાવ્યું કે સરકારે અનેક મંત્રીઓ અને ધારાસભ્યોને ખેતરોમાં મોકલ્યા પરંતુ “એ મંત્રીઓ ખરેખર ખેડૂતોની પીડા સમજી શકે છે કે ફક્ત નાટક કરવા આવ્યા છે?” એવો સવાલ ઉઠાવ્યો.