જાપાનમાં કામ કરનારા કુશળ લોકોની એવી અછત છે કે કંપનીઓમાં 12-12 કલાક કામ કરાવાય છે. કેટલીક કંપનીઓમાં ઓવરટાઈમ પણ કરાવાય છે. સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી કામને સામાન્ય માને છે. સ્થિતિ એવી છે કે કામના ભારણથી કંટાળી નોકરી છોડવા માટે ઈચ્છતા કર્મચારીઓનું રાજીનામું પણ મંજૂર નથી કરાતું. જેના કારણે ઘણા લોકો રાજીનામું લખાવા માટે કન્સલ્ટન્સી કંપનીઓ, નિષ્ણાતો કે વકીલોની મદદ લેવા મજબૂર છે.
આવી જ એક કર્મચારી યૂકી વતનબે કહે છે કે દરરોજ 12 કલાક ઓફિસમાં મહેનત કરતા વિતાવવા પડતા હતા. જ્યારે રાજીનામું આપ્યું તો તેને મંજૂર જ ન કર્યું. મોટી દૂરસંચાર અને ઈ-ચુકવણી કંપનીઓમાં આ સમસ્યા વધુ છે. કેટલાક કિસ્સામાં બોસ રાજીનામાપત્ર જ ફાડી નાખે છે. 24 વર્ષીય એક કર્મચારીએ કહ્યું કે સવારે આવો અને રાતે 11 વાગ્યા પછી જ (કાર્યાલયથી) ઘરે જવા નીકળો . આવું રોજ થાય છે.
જોકે વતનબે તેની અગાઉની નોકરીનો અનુભવ જણાવે છે. તે કામના વધુ કલાકોથી નાખુશ હતી. પણ રાજીનામું આપવાની હિંમત નહોતી કરી શકતી. વતનબેએ કહ્યું કે હું નહોતી ઈચ્છતી કે મારા રાજીનામાનો અસ્વીકાર થાય. માટે રાજીનામું લખાવવા કન્સલ્ટન્સી કંપની મોમુરાની મદદ લીધી. કોરોના મહામારી પછીથી જાપાનમાં કર્મચારીઓનાં રાજીનામાં સહિત અન્ય મુદ્દા પર મદદ માટે કન્સલ્ટન્સી એજન્સીઓની માગ વધી છે. મોમુરીના સંચાલન પ્રબંધક શિઓરી કાવામાતાએ કહ્યું કે ગયા વર્ષે એકમાત્ર તેને 11,000થી વધુ લોકોએ રાજીનામાં અંગે પૂછપરછ કરી.