રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે, પરંતુ કમોસમી વરસાદ અને નીચા ભાવને કારણે ખેડૂતો ચિંતિત છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા અનુસાર ગતવર્ષે રાજકોટ જિલ્લામાં 2,68,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 3,29,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 9 થી 10 લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો, પરંતુ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે હવે ઉત્પાદન 10 થી 15 ટકા ઓછું થવાની આશંકા છે. વરસાદના કારણે પાકને સીધી અસર થતાં બજારમાં પણ આવક ઘટવાની શક્યતા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો રાજકોટ જિલ્લાનાં ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગતવર્ષે 2,68,000 જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર હતું અને આ વર્ષે 3,29,000 જેટલા વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયું છે. વાવેતર વધવાના મુખ્ય કારણો જોઈએ તો આપણે રાજકોટમાં કપાસ અને મગફળીનું વાવેતર હોય છે, તેમાં જે કપાસનાં વાવેતર વિસ્તારમાં થોડો ઘટાડો થયો છે, એ એરિયા મગફળીમાં શિફ્ટ થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે મગફળી પાકમાં સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહે છે અને કપાસમાં એવું થાય છે કે તે લાંબાગાળાનો પાક છે, તો ખેડૂતો એ કાઢીને પછી બીજો કોઈ પાક વાવવો હોય તો વાવી શકાતો નથી એના બદલે જ્યારે મગફળી હોય તો ઘઉં કે ચણા જેવા પાક એ લોકો વાવી શકે છે. એટલે મગફળીના પાકમાં મેઈન તો વધારો થયો છે. હાલ તો માવઠાનાં કારણે ક્યાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે ચાલુ છે. ખેડૂતોને પણ તેમનો પાક સલામત જગ્યાએ શિફ્ટ કરવાની અપીલ તેમણે કરી છે.