રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી કરતાં વ્યક્તિની માહિતી મળતાની સાથે જ ત્વરિત પગલાઓ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજી મતદાન મથક 169માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુક્ત કરવામાં આવ્યા છે. અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે, આ શખ્સ બોગસ મતદાન કરાવતો હતો.