અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમીનલ કેશમાં સંડોવાવું નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે.
જામીન પર છૂટ્યા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે, એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. તેને મારી નાખવાની કોશિશ કરી છે. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડશે.
ચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.