શહેરના બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. યુવકને કોઇ અજાણ્યા શખ્સે ફડાકો ઝીંકતા તે શખ્સ સામે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ યુવકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.શહેરના ઉપલાકાંઠા વિસ્તારની ન્યૂ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) ગુરૂવારે રાત્રે પોતાના પિતરાઇ અમિતભાઇ સાથે બી.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એક શખ્સ સામે ફરિયાદ કરવા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
ઘટના અંગે અમિતભાઇએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઇ ઘરે જ ઇમિટેશનનું કામ કરતા હતા, અલ્પેશભાઇ તેમના પાલતુ ડોગી અને છ વર્ષની પુત્રીને આંટો મરાવવા ઘર નજીક નીકળ્યા હતા ત્યારે તેમના ઘર પાસે એક શખ્સ બેઠો હતો, અલ્પેશભાઇ તેની પાસેથી પસાર થતાં અહિથી શું નીકળ્યો, ભાગી જા તેમ કહેતા અલ્પેશભાઇએ મારું તો ઘર અહિ છે તું બહારથી આવ્યો છો તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને તેણે ઝપાઝપી કરી અલ્પેશભાઇને ફડાકો ઝીંકી દીધો હતો, અલ્પેશભાઇ આ અંગે ફરિયાદ કરવા પિતરાઇ ભાઇ સાથે બી.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો હતો, અલ્પેશભાઇ ઘરે જ ઇમિટેશનનું કામ કરતા હતા તે બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતા અને તેમને છ વર્ષની પુત્રી છે. બનાવથી દામાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.