વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે અપેક્ષા કરતાં વધુ મજબૂત દેખાવને આધારે કેલેન્ડર વર્ષ 2024 માટે દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજને વધીને 6.8% કર્યું છે અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભારત જી20 દેશોમાં સૌથી ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર બની રહેશે.
વર્ષ 2024ના આઉટલુક રિપોર્ટમાં મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો ઘટી રહ્યા છે ત્યારે ભારતીય અર્થતંત્ર આરામથી 6-7%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવવા માટે સક્ષમ રહેશે. વર્ષ 2025 માટે આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.4% છે. વર્ષ 2024 માટે પહેલા મૂડીઝે 6.1%નું અનુમાન દર્શાવ્યું છે.
દેશના અર્થતંત્રનું પ્રદર્શન અપેક્ષા કરતાં મજબૂત રહ્યું છે અને આ મજબૂત પ્રદર્શનને સહારે અમે વર્ષ 2024 માટે દેશના આર્થિક વૃદ્ધિદરના અનુમાનને 6.1%થી વધારીને 6.8% કર્યું છે. કેલેન્ડર વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન દેશની રિયલ જીડીપીમાં 8.4%ના દરે વૃદ્ધિ જોવા મળી હતી જે સાથે સમગ્ર વર્ષ 2023 માટે તે ગ્રોથ 7.7% રહ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિદરમાં 8.2%નો વધારો થયો હતો અને જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમાં 8.1%ની વૃદ્ધિ જોવા મળી હતી.