Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં કડકડતી ઠંડીનો પ્રારંભ વહેલો થઈ ગયો છે. સામાન્ય રીતે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અનુભવાતી શીતલહેર આ વર્ષે નવેમ્બર મહિનામાં જ શરૂ થઈ જતાં લોકો આશ્ચર્યમાં મુકાયા છે. રાજકોટમાં તો ઠંડીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, રાજકોટમાં પહેલીવાર નવેમ્બર મહિનાના પહેલા 20 દિવસમાં જ પારો રેકોર્ડબ્રેક 12.1 ડિગ્રી થઇ ગયો. જ્યારે રાજકોટનું મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી રહ્યું હતું.


હવામાન વિભાગના ડેટા અનુસાર, રાજકોટના હવામાનમાં એક જ દિવસમાં 2 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જેના કારણે લોકોએ આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો. 17 નવેમ્બરે રાજકોટનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું જે 18મીએ એકાએક 12.1 ડિગ્રી થઇ ગયું હતું. નવેમ્બર મહિનામાં આટલું નીચું તાપમાન સામાન્ય રીતે જોવા મળતું નથી, તેથી શહેરનું વાતાવરણ જાણે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ જેવું બની ગયું છે. વહેલી સવારે અને રાત્રે ગરમ વસ્ત્રો પહેરવા અનિવાર્ય બની ગયા છે.

નવેમ્બરના મધ્યમાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અનુભવ થતાં રાજકોટવાસીઓએ ગરમ વસ્ત્રો, ધાબળા અને રજાઈ વહેલા કાઢી લીધા છે. બજારોમાં પણ ગરમ કપડાંનું વેચાણ ઝડપથી વધ્યું છે. વહેલી સવારે અને મોડી સાંજે તાપણા કરીને કે ગરમ પીણાં પીને લોકો ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના મતે, હજુ થોડા દિવસો સુધી તાપમાન નીચું રહેવાની શક્યતા છે, તેથી લોકોને ઠંડીથી બચવા યોગ્ય તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 19.6 ડિગ્રીનો તફાવત રાજકોટમાં મંગળવારે લઘુતમ તાપમાન 12.1 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં વધુ ફેરફાર જોવા નહીં મળે. રાજકોટમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 19.6 ડિગ્રીનો તફાવત નોંધાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે.