રાજકોટમાં GST દર ઘટાડાનો જોરદાર અસર જોવા મળી છે. કેન્દ્ર સરકારે નવા વાહનો પરનો GST ઘટાડતાં માત્ર બે મહિનામાં (22 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી) શહેરમાં રેકોર્ડબ્રેક 36,486 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સામાન્ય સમયની સરખામણીએ 50%થી વધુનો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળામાં 3 કરોડની ઇલેક્ટ્રિક મર્સિડિઝ-Maybach સહિત 30 લાખથી વધુ કિંમતની 93 લક્ઝરી કાર વેચાઈ છે, જ્યારે મારુતિની એરેના જેવા મિડ-રેન્જ મોડેલ્સનું વેચાણ પણ બમણું થયું છે. રાજકોટ RTOના આંકડા બતાવે છે કે, ગ્રાહકોને લાખો રૂપિયાની બચત થતાં લક્ઝરીથી લઈને બજેટ સેડ સુધીના તમામ સેગમેન્ટમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો છે.
રાજકોટ RTO અધિકારી કેતન ખપેડે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો. જેમાં નવા વાહનોની ખરીદી પર GST ઘટતા ગ્રાહકોને ખૂબ જ સારો ફાયદો થયો છે. જેથી વાહનોનું વેચાણ વધ્યું છે. રાજકોટ RTOમાં GST દર ઘટ્યા બાદના 2 મહિનામાં 36,486 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 26,256 ટુ વ્હીલર તો 6,156 કાર સામેલ છે. જ્યારે રૂ.30 લાખથી વધુની કિંમતની 93 કારની ખરીદી થઈ ચૂકી છે. જેનું રજીસ્ટ્રેશન અહીં થયું છે.