ટીમ ઈન્ડિયાએ પુણેમાં બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવી હતી. ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલીની 103 રનની સદીની ઇનિંગે ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.
બાંગ્લાદેશને હરાવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તે હજુ પણ બીજા નંબર પર છે. ભારતના 8 પોઈન્ટ છે. ટીમને હજુ 5 મેચ રમવાની બાકી છે. જો ભારત 3 મેચ જીતે છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે. આટલા પોઈન્ટ સાથે તે સરળતાથી સેમિફાઈનલમાં પહોંચી જશે.
ભારતે હજુ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે મેચ રમવાની છે. આ 5 મેચમાંથી ભારતની શ્રીલંકા અને નેધરલેન્ડ સામે જીતની વધુ તકો છે. વર્લ્ડ કપના લીગ તબક્કામાં ભારતની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે છે. આ ભારતનો પ્લસ પોઈન્ટ છે
આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 3 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા પાસે હજુ 6 મેચ બાકી છે, જો તે તમામ મેચ જીતી લે તો તેના 14 પોઈન્ટ થઈ જશે અને સેમિફાઈનલ રમવાની આશા જળવાઈ રહેશે. એના માટે હવે દરેક મેચ નોકઆઉટ જેવી છે તેમજ પાકિસ્તાનને પણ 6 મેચ રમવાની છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયાથી 2 પોઈન્ટ આગળ છે. પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે 6માંથી 5 કે 4 મેચ જીતવી પડશે.