ઘર-પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ ચાલતા હોય તો બધાની વચ્ચે એકતા નથી રહેતી. એકતા વગર ઘરમાં સુખ-શાંતિ અને પ્રેમ નથી ટકી શકતો. એટલા માટે પરિવારમાં મતભેદ હોય તો તેને તરત જ ઉકેલી નાખવા જોઈએ. મહાભારતમાં પાંડવો કૌરવો સામે જુગારમાં હારી ગયા તો તેમને 12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પર જવું પડ્યું હતું.
પાંડવોએ વનવાસ અને અજ્ઞાતવાસ પૂરો કરી લીધો અને કૌરવો પાસે પોતાનું રાજ્ય પાછું માગવા પહોંચ્યા. જો કે જુગારમાં નક્કી થયેલાં નિયમ પ્રમાણે કૌરવોએ પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ પછી તેમનું રાજ્ય પાછું આપવાનું હતું.
દુર્યોધન અધર્મી અને અહંકારી હતો, તેને પાંડવોને રાજ્ય પાછું આપવાની ના પાડી દીધી. ત્યાર પછી પાંડવોની સામે યુદ્ધનો જ રસ્તો બચ્યો હતો. પાંડવોએ વિચાર કર્યો કે કૌરવોની પાસે ખબ જ મોટી સેના છે, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા જેવા મહારથી છે. આપણે માત્ર પાંચ જ છીએ, આપણી પાસે સેના પણ નથી. એવી સ્થિતિમાં યુદ્ધ કેવી રીતે કરી શકીશું.
એ સમયે જ પાંડવોની પાસે શ્રીકૃષ્ણ પહોંચ્યા. તેમને કહ્યું કે તમારી વાત સાચી છે કે કૌરવોની પાસે સેના મોટી છે, પરંતુ એકવાતનું ધ્યાન રાખો કે એ સેનામાં એકતા નથી. કર્ણ ભીષ્મને પસંદ નથી કરતા, દ્રોણાચાર્ય દુર્યોધનને પસંદ નથી કરતા, દુર્યોધન ભીષ્મ અને દ્રોણાચાર્યને અપમાનિત કરતો રહે છે. તમે સંખ્યામાં ભલે પાંચ છો, પરંતુ તમારી વચ્ચે મતભેદ નથી, એકતા છે, જે કૌરવો વચ્ચે નથી. આપણે હંમેશાં એકવાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યાં એકતા હોય છે, જીત ત્યાં જ હોય છે.