ભારતીય કોર્પોરેટ કંપનીઓ માટે હવે વિદેશમાં રોકાણ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. ભારતીય કોર્પોરેટ કંપનીઓ હવે જરૂરી પરવાનગીઓ મેળવ્યા પછી ઊર્જા અને નેચરલ રિસોર્સ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં નિર્ધારિત મર્યાદાથી વધુ વિદેશી રોકાણ કરી શકશે.
વિદેશી પ્રત્યક્ષ રોકાણ અને નિયમન, 2022 પર એક સ્પષ્ટીકરણ બહાર પાડતા નાણા મંત્રાલયે જણાવ્યું કે, નોન-ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓ જે બેન્કિંગ અને વીમા સિવાયની નાણાકીય સર્વિસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તેમાં ઓટોમેટિક રૂટ મારફતે પ્રત્યક્ષ રોકાણ કરી શકશે. અગાઉ નાણાકીય સેવાની પ્રવૃત્તિઓમાં સંકળાયેલી વિદેશી કંપનીઓમાં રોકાણ માટે નોન-ફાઇનાન્સિયલ સેક્ટરની ભારતીય કંપનીઓને પરવાનગી ન હતી.
ઇન્શ્યોરન્સ સેક્ટર સાથે સંકળાયેલી ન હોય તેવી ભારતીય કંપનીઓ જે જનરલ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સમાં કેટલીક શરતોને આધીન રોકાણ કરી શકશે. વિદેશમાં તે ઇન્શ્યોરન્સ બિઝનેસ ભારતીય કંપનીઓની પ્રવૃત્તિઓને સપોર્ટ કરતો હોય તે જરૂરી છે. સરકારે બે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યા છે જેમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-ઓવરસીઝ પોર્ટફોલિયો નું સીમાંકન કરવામાં આવ્યું છે.