Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જાન્યુઆરી માસમાં ભરવાડ સમાજ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યના મળીને કુલ 3001 દીકરીના સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ સાથે જ ભરવાડ સમાજ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. આ સમૂહલગ્ન ભરવાડ સમાજની ગુરુગાદી થરા ખાતે 850 વીઘામાં થશે. જેમાં 400 વીઘામાં પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી 2 હજાર સ્વયંસેવક સેવા આપવા માટે જશે. આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ ભરવાડ સમાજના આગેવાન રાજુભાઈ જુંજાએ જણાવ્યું હતું કે, ગુરુ ગાદી થરા ખાતે આવેલા ઐતિહાસિક સ્વયંભૂ મહાદેવની પુન: પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

જેના ભાગરૂપે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. અને શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ધાર્મિક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમેયૌ એવું નામ આપવામાં આવ્યું છે. સમૂહલગ્નમાં દીકરીઓને કરિયાવરમાં 251 ચીજવસ્તુ આપવામાં આવી છે. હાલ સમગ્ર કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પાર્કિંગ લગ્ન સ્થળથી 3 કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળેથી લગ્ન સ્થળ સુધી મહેમાનોને આવવા- લઈ જવા માટે 60 લક્ઝુરિયસ બસ મૂકવામાં આવી છે. 200 વીઘામાં ભોજનશાળા ઊભી કરાઇ છે.

આ સમૂહલગ્નમાં અંદાજિત 15 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. પ્રસાદ ઘરમાં બગદાણાથી સ્વયંસેવકો સેવામાં જોડાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દીકરીઓના ફેરા 30 જાન્યુઆરીના રોજ યોજાશે. સૌરાષ્ટ્રથી જે લોકો સમૂહલગ્નમાં જોડાશે તેઓએ પોતાના વાહન મોરબીથી સામખિયાળી, રાધનપુર થઇ થરા પહોંચવાનું રહેશે. વધુમાં તેના જણાવ્યાનુસાર આજથી 900 વર્ષ પૂર્વે ભરવાડ સમાજની ગુરુગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં સૌ પ્રથમ સમૂહલગ્ન થયા હતા.

જેમાં 3009 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારબાદ હવે આ જ બીજા સ્થાને બીજો સમૂહલગ્ન આગામી 30-31 જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનની 3001 દીકરી પ્રભુતામાં પગલાં માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને ધાર્મિક ઉત્સવમાં જોડાવા માટે જણાવાયું છે. આ જાજરમાન સમૂહલગ્નનું વર્લ્ડ ગિનીસ બુકમાં નોમિનેશન કરવામાં આવશે. ગુરુગાદી થરાના મહંત 1008 ઘનશ્યામપુરીબાપુ, ગુરુ શિવપુરીબાપુના માર્ગદર્શન હેઠળ આયોજન થઈ રહ્યું છે અને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.