રાજકોટના અમીન માર્ગ પાસે પીપીપી યોજના હેઠળ નિર્માણાધીન મણિયાર ક્વાર્ટરની બિલ્ડિંગમાં 12મા માળે લગાવેલી ક્રેન તૂટતાં તેનો એક પાઈપ રોડ પર પડ્યો હતો.
આ સમયે એક યુવાન ત્યાંથી સ્કૂટર લઈને જઈ રહ્યો હતો અને પાઈપ સ્કૂટર પાસે પડતા તેનું વાહન અકસ્માતગ્રસ્ત થયું હતું.
પાઈપ પડવાના અવાજથી ટોળાં એકઠા થયા હતા. સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી અને તુરંત જ યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પીપીપી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ મણિયાર ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટનું કામ જે.પી. સ્ટ્રક્ચર્સને આપ્યું છે. સવારે 11 વાગ્યા આસપાસ આ બિલ્ડિંગમાં ક્રેનમાંથી એક ભાગ તૂટી પડતા રોડ પરથી પસાર થયેલા એક સ્કૂટરચાલક યુવાન પર પડ્યો હતો જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો.
મોહિત નામના યુવાને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટાફે યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો યુવાને પોતાનું નામ સાવન ઠુમ્મર(ઉ.વ.27 જણાવ્યું હતું. તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ સિવિલે પહોંચી ત્યાં યુવાનના સ્વજનો પણ પહોંચી ગયા હતા. જોકે સ્વજનોને સોંપ્યા પહેલાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ યુવાનને ત્યાં મૂકીને આવી ગયો હતો.
આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બિલ્ડર પર રોષ ઠાલવ્યો હતો. વધુ લોકો એકઠા થાય તે પહેલાં બિલ્ડરના હાજર સ્ટાફે અકસ્માતગ્રસ્ત એક્ટિવાને ઢસડીને બિલ્ડિંગ સાઈટની અંદર મૂકી દીધુ હતું.
ક્રેન છોડાવતી વખતે ઘટના બની, બિલ્ડરને નોટિસ અપાશે ટી.પી. શાખાના ઈજનેરોને આ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાંથી ક્રેન છોડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પાઈપ નીચે પડતા દુર્ઘટના બની હતી. આ અંગે બિલ્ડરની બેદરકારી હોવાથી સોમવારે તેને નોટિસ ફટકારવામાં આવશે. હાલ બિલ્ડિંગના બીજા સેફ્ટી પ્રોટોકોલની તપાસ ચાલી રહી છે.