આણંદ જિલ્લામાં ગુરુવારે કાળજુ કંપાવતી ઘટના સામે આવી હતી. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા અકસ્મતામાં 6 લોકોને કાળ ભરખી ગયો હતો. જેમાં એક પરિવારના ત્રણ સભ્યો જે ભાઇને રાખડી બાંધીને આવતા હતા. બીજા પરિવારના બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો તે કાર ચાલક સોજિત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે. જે દારૂના ચિક્કાર નશામાં હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લથડિયા થાતો જોવા મળે છે.
છ લોકોને કાર ભરખી ગયો
મળતી માહિતી મુજબ સોજિત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીના પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયાં હતાં. તેઓ ત્યાંથી પરત સોજિત્રા આવવા માટે યાસીન મોહમદભાઈ વ્હોરાની રિક્ષામાં નિકળ્યાં હતાં. તેઓ તારાપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતાં હતાં તે સમયે ટીંબા ગામ પાસે અચાનક કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, રિક્ષા ચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચારના સારવાર દરમિયાન મોત થયા હતા. આમ આ ઘટનામાં કુલ છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં.
કાર ચાલક લથડીયા ખાતો જોવા મળ્યો
આ દુર્ઘટનામાં કાર રોડ પરથી ઉતરીને બાજુના ખેતરમાં જાડ સાથે અથડાઇ હતી. કાર ચાલક ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો હતો, પરંતું તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ નહોતો સંભાળી શકતો. જેનો લથડિયા ખાતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે મૃતકોના સંબંધીઓએ ડ્રિન્ક એન્ડ ડ્રાઇનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. કાર ચાલકની પુછપરછ કરતાં તે સોજિત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવ્યાયે વકીલ હોવાનું જણાવ્યું હતું.
કાર ચાલક દારૂના ચિક્કાર નશામાં હતો: મૃતકનો ભત્રીજો
મૃતકના ભત્રીજા સાગર જીગ્નેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મારા કાકી અને મારી બે બહેનો રક્ષાબંધન મનાવીને રિક્ષામાં મામાના ઘરેથી આવતા હતા. ત્યારે આ બનાવ બન્યો. મને મિત્રનો ફોન આવ્યો અને હુ વડોદરાથી અહીંયા આવ્યો છું. જે કાર ચાલકે ટક્કર મારી તે દારૂના ચિક્કાર નશામાં હતો. જે અહીંના ધારાસભ્ય પૂનમ પરમારનો ઘરનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. મે મારા પરિવારના સભ્યો ગુમાવ્યા તે પાછા નહીં મળે પણ પોલીસ કડક કાર્યવાહી કરે જેથી આવી ઘટના ફરીવાર ન બને.