રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ક્રાઇમનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ-પાંચ હત્યાના બનાવો બનવા પામ્યા છે. નજીવી બાબતમાં હત્યા જેવો ગંભીર અપરાધ થતો હોવાનું તમામ બનાવોમાં સામે આવ્યું છે. શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં ગુરુવારે રબારીકા રોડ પર પત્ની સાથે આડાસંબંધની શંકાએ એક યુવકે તેના જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે સરાજાહેર હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામ્યો છે.
જાહેરમાં બનેલી આ ઘટનામાં લોકો મૃતકની મદદે આવે એ પહેલાં હત્યારો આડેધડ છરીના ઘા ઝીંકી ત્યાંથી બાળકોને સાથે લઇને ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ દુકાનના CCTVમાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.