એશિયાઈ રમતોમાં ભારત ઇતિહાસ રચવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. આ ટૂર્નામેન્ટના નવ જ દિવસમાં ભારતે 60 ચન્દ્રક જીત્યા છે અને હજી 6 દિવસ બાકી છે. આ 6 દિવસમાં બોક્સિંગ, કુશ્તી, તીરંદાજી, એથ્લેટિક્સ જેવી સ્પર્ધા યોજાશે. તેમાં ભારતે ગઈ વખતે 33 ચન્દ્રક જીત્યા હતા. જોકે, આ વખતે શૂટિંગની સ્પર્ધા ભારતની નવી ઓળખ બનીને ઊભરી છે. આ વખતે ભારતે તેમાં 22 ચન્દ્રક જીત્યા છે. તેમાંથી 7 સુવર્ણ, 9 રજત અને 6 કાંસ્ય છે. ભારતે શૂટિંગમાં 1951થી અત્યાર સુધીમાં 58 ચન્દ્રક મેળવ્યા છે, તેમાંથી 22 ચન્દ્ર આ વર્ષે જીત્યા છે.
આ વખતે આપણી તૈયારી ખૂબ સારી હતી. તેનો પાયો બે વર્ષ પહેલાં ટોક્યો ઑલિમ્પિકમાં નખાયો. વાત એમ હતી કે ઑલિમ્પિકમાં આપણા 15 શૂટરે ભાગ લીધો હતો પણ એકેય મૅડલ ન મળ્યો. આ નિરાશાજનક પ્રદર્શને સૌના હૃદયમાં આગ પ્રજ્વલિત કરી દીધી. ત્યાર પછી રમતગમત વિભાગે કોચિંગ સિસ્ટમમાં વ્યૂહનીતિલક્ષી અનેક ફેરફાર કર્યા. તાલીમ વખતે અમારી સામે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સર્જી દેવાઈ હતી પરંતુ વાતાવરણ ઘણું હકારાત્મક હતું. અમને સતત બે વર્ષ આકરી તાલીમ મળી. પરિણામે ભારતે આ વખતે શૂટિંગમાં 22 ચન્દ્રક મેળવ્યા. 25 મી. રેપિડ ફાયર ટીમ ઇવેન્ટમાં દેશને પહેલી વાર મૅડલ મળ્યો છે અને હું એ જ ટીમમાં છું.
ભારતીય રમતવીરોનો અત્યાર સુધીનો દેખાવ અદ્્ભુત રહ્યો છે. ટૅબલ ટેનિસ, શૂટિંગ, બૅડમિન્ટનથી માંડીને ઘોડેસવારી સુધીની રમતોમાં આ વખતે આપણે વિશ્વવિક્રમો તોડ્યા છે. હવે નિશ્ચિતપણ 6 દિવસ પછી પરત આવીશું ત્યારે અહીં ચીનની ધરતી પર ભારતે ઇતિહાસ રચ્યો હશે.