દેશમાં નવેમ્બર મહિનામાં પેસેન્જર, દ્વિચક્રી અને કોર્મશિયલ વાહનોના મજબૂત વેચાણને પગલે ઓટોમોબાઇલ સેક્ટરમા રિટેલ વેચાણ ટોપ ગિયરમાં રહ્યું હતું. ઓટોમોબાઇલ રિટેલ વેચાણ નવેમ્બરમાં 26 ટકાના વધારા સાથે 23,80,465 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 18,93,647 યુનિટ્સ નોંધાયું હતું તેવું FADAએ જણાવ્યું હતું.
ભારતીય ઓટો સેક્ટરના ઇતિહાસમાં નવેમ્બર 2022માં સૌથી વધુ રિટેલ વેચાણ નોંધાયું છે. જેમાં માર્ચ 2020માં BS IV તેમજ BS VI ટ્રાન્ઝિશનને કારણે સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું તેવું ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) અધ્યક્ષ મનીષ સિંઘાનીયાએ જણાવ્યું હતું. તહેવારોની સીઝન પૂરી થતા જ લગ્નસરાની સીઝન શરૂ થવાને કારણે મોમેન્ટમ જળવાયેલું રહ્યું હતું.
નવેમ્બરમાં મોડલ્સની ઉપલબ્ધતા, નવા લોન્ચિંગ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધવાને કારણે પેસેન્જર વાહનોનું વેચાણ 21 ટકા વધીને 3 લાખ યુનિટ્સ નોંધાયું હતું. જ્યારે એકંદરે પેસેન્જર વાહનોનું વેચાણ નવેમ્બર, 2021ના 2,48,052 યુનિટ્સથી વધીને 3,00,922 યુનિટ્સ રહ્યું હતું. કોમ્પેક SUV અને SUV શ્રેણીમાં પણ અનેકવિધ વેરિએન્ટ્સને કારણે માર્કેટમાં તેની પકડ વધુ મજબૂત રહી હતી.
દ્વિચક્રી વાહનોનું વેચાણ નવેમ્બર, 2021ના 14,94,797 યુનિટ્સથી 24% વધીને 18,47,708 યુનિટ્સ નોંધાયું હતું. જ્યારે કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ગત નવેમ્બરના 59,765 યુનિટ્સથી 33 ટકા વધીને 79,369 યુનિટ્સ રહ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને નવા માઇનિંગ પ્રોજેક્ટ્સ પર સતત ફોકસને કારણે આ સેગમેન્ટમાં વૃદ્વિનો માહોલ જોવા મળ્યો હતો.