અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા બાદ ક્રિપ્ટો કરન્સીમાં તેજીની આતશબાજી જોવા મળી છે. બિટકોઇન છેલ્લા એક માસમાં 35 ટકા ઉછળીને 90000 ડોલરની રેકોર્ડ સપાટી નજીક પહોંચ્યો છે. ટ્રમ્પ સિકયોરીટી એકસચેન્જના વડા ગેરી જેન્સલરને હટાવશે અને બીટકોઇનને અમેરિકાની ડિજિટલ એસેટમાં સ્થાન મળશે તેમજ અમુક હદે બીટકોઇન માઇનીંગમાં મેઇડ ઇન અમેરિકાનો ખ્યાલ રખાશે આ ઉપરાંત ટ્રમ્પ કેમ્પેઇનમાં ક્રીપ્ટો અને ફિનટેક સેકટરમાંથી અંદાજે 135 મિલિયન ડોલર દાન મળ્યું હતું જેની અસર છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે અમેરિકામાં ક્રિપ્ટો સરકાર રચાઇ છે.
ક્રિપ્ટો કરન્સીનું કુલ માર્કેટકેપ રેકોર્ડ 2.9 ટ્રીલિયન ડોલર નોંધાયું હતું, જે માત્ર એક સપ્તાહમાં જ 6.5 અબજ ડોલર (ભારતીય રૂપિયામાં ગણીયે તો 550 અબજ) વધ્યું છે. 5 નવેમ્બરે ક્રિપ્ટોનું માર્કેટકેપ 2.19 ટ્રીલિયન ડોલર હજુ અને અત્યારે 2.9 ટ્રીલિયન ડોલરની રેકોર્ડ સપાટીએ પહોચ્યું હતું. આમાં બિટકોઇનનો હિસ્સો 1.65 ટ્રીલિયન ડોલરનો હતો, જે ભારતના કુલ માર્કેટ કેપના 34 ટકા થાય છે. ભારતનું માર્કેટ કેપ 5.28 ટ્રીલિયન ડોલર રહ્યું છે.
ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઇન ઉપરાંત અન્ય કરન્સીમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે. લાંબા સમયથી અમેરિકામાં ક્રિપ્ટો સેકટરનો વિકાસ રુંધાઇ ગયો હતો. હવે ડિજિટલ એસેટ અને ફિનટેકમાં વેન્ચર કેપિટલ અને હેજફંડો, ઇટીએફ વગેરેનો રસ વધતો દેખાય છે. બીટકોઇને 90000 ડોલરની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો છે.