દેશના ગ્રોથ આઉટલુક માટે ભૌગોલિક-રાજકીય તણાવ જોખમી પુરવાર થઇ શકે છે ખાસ કરીને એશિયન પ્રાંત તરફ તણાવ જોવા મળશે તો ગ્રોથ આઉટલુકને વધુ અસર થશે તેવું RBI મોનેટરી પોલિસીના સભ્ય જયંત વર્માએ જણાવ્યું હતું. ફુગાવો અને ફુગાવાની અપેક્ષાઓમાં ઘટાડો થઇ રહ્યો છે અને દેશમાં ફુગાવો કોઇ ધોરણ નહીં બને. તેઓ ભારતીય અર્થતંત્રને લઇને કેટલાક કારણસર વધુ આશાવાદી છે. આર્થિક વૃદ્વિની દૃષ્ટિએ અસહ્ય ખર્ચ લાદ્યા વગર RBI ઝડપી ગતિએ ફુગાવાને 4 ટકાના લક્ષ્યાંક સુધી લઇ જવા માટે પ્રતિબદ્વ છે.
RBIએ ઓગસ્ટ મહિનામાં યોજાયેલી MPCની છેલ્લી બેઠક દરમિયાન રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરતા રેપો રેટ 5.40 ટકાના સ્તરે પહોંચ્યો છે. દેશમાં મોંઘવારીને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. દેશમાં ફુગાવો 2-6 ટકાની રેન્જમાં રહે તે સુનિશ્વિત કરવાની જવાબદારી સરકારે RBIને સોંપી છે. CPI આધારિત રિટેલ ફુગાવો જુલાઇ મહિનામાં ઘટીને 6.71 ટકા રહ્યો હતો પરંતુ સતત સાતમાં મહિને RBIના ટાર્ગેટ કરતા ઉપર રહ્યો હતો. RBIએ વર્ષ 2022-23 દરમિયાન ફુગાવો 6.7% રહેવાનું અનુમાન કર્યું છે.