દિલ્હી કેપિટલ્સ (DC)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે તેમની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 26મી મેચમાં સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. સતત બે હાર બાદ દિલ્હીની આ પ્રથમ જીત છે, જ્યારે લખનઉ સતત ત્રણ જીત બાદ હાર્યું છે.
શુક્રવારે લખનઉમાં દિલ્હીએ 168 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. અગાઉ લખનઉએ પોતાના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા.
DC માટે ડેબ્યૂ મેચ રમી રહેલો જેક ફ્રેઝર-મેગર્કે 35 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન રિષભ પંતે 41 રનનું યોગદાન આપ્યું હતું. લખનઉના રવિ બિશ્નોઈને બે વિકેટ મળી હતી. LSG તરફથી આયુષ બદોનીએ 31 બોલમાં 55 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે અરશદ ખાન સાથે 8મી વિકેટ માટે 73 રનની ભાગીદારી પણ કરી હતી. કેપ્ટન કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને 2 વિકેટ મળી હતી.