દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો હતો. હવે યુપીના આગ્રા-મથુરામાં યમુનાનું પાણી પૂરનું સ્વરૂપ લઈ રહ્યું છે. આગ્રાના તાજમહેલ સુધી યમુનાનું પાણી પહોંચી ગયું છે.
મથુરામાં યમુના ખતરાના સ્તરથી 1 મીટર ઉપર વહી રહી છે, જેના કારણે નદીની આસપાસનાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ 52 કોલોનીમાં પણ પાણી ભરાઈ ગયાં છે. NDRFએ અત્યારસુધીમાં 500 લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડ્યા છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો પૂરમાં ફસાયેલા છે. લોકો છત પર રાત વિતાવી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના કુલુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહન પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનો જળસ્તર સતત ઘટી રહ્યો છે. એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં ગંગા નદીનો જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયો છે.
રવિવારે હરિદ્વારમાં ગંગાનો જળસ્તર 293.15 મીટર નોંધાયો હતો, જ્યારે ખતરાનું નિશાન 294 મીટર છે. નદીને અડીને આવેલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેવપ્રયાગ ખાતે ગંગા નદી 20 મીટર અને હૃષિકેશ પહોંચતાં સુધીમાં 10 સેમી વધી હતી. વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાંક નાનાં મંદિરોમાં પાણી ભરાઈ ગયાં છે.