ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિના સામે પરાજય બાદ ફ્રાન્સના ચાહકો બેકાબૂ બની ગયા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં હજારો ચાહકોએ તોફાનો શરૂ કર્યા હતા. વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પેરિસ સિવાય આ હિંસા અન્ય ઘણા શહેરોમાં ફેલાઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. પેરિસમાં હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, નાઇસના લિયોનમાં પણ હિંસક ઘટનાઓ બની છે. પેરિસના પ્રખ્યાત ચેમ્પ્સ એલિસીસમાં પણ ચાહકો એકબીજા સાથે બથમબથ આવી ગયા હતા.
ફ્રાન્સની જીત જોવા માટે લાખો ચાહકો ફ્રાન્સના શહેરોમાં જાહેર સ્થળોએ એકઠા થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આર્જેન્ટિના સામે 4-2થી હાર્યા બાદ લોકો બેકાબૂ બની ગયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. ચાહકોને કાબૂમાં લેવા માટે ઘણી જગ્યાએ વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.