અક્ષય કુમારની 'રક્ષાબંધન' 11 ઓગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમની વાત કરવામાં આવી છે.
કેવી છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા અંગે વાત કરીએ તો લાલા કેદારનાથ (અક્ષય કુમાર) દિલ્હીમાં ચાંદની ચોકમાં પાણીપુરીની પૈતૃક દુકાન ચલાવતો હોય છે. આ દુકાનની પાણીપુરી ખાતી મહિલાને દીકરો જન્મે છે, તેવી માન્યતા છે. આ જ કારણે લાલાની દુકાને મહિલાઓની ભીડ હોય છે. લાલાને ચાર બહેનો છે અને તે લગ્ન યોગ્ય છે. જીવનના અંતિમ સમયમાં માતા દીકરા લાલા કેદારનાથ પાસે વચન લે છે કે તે બહેનોના લગ્ન બાદ જ પરણશે. કેદારનાથ માતાનું વચન પૂરું કરવા માગે છે, પરંતુ ચાર બહેનોના લગ્નમાં લાખોનું દહેજ માગવામાં આવે છે. બીજી બાજુ સપના (ભૂમિ પેડનેકર) નાનપણથી કેદારનાથને પ્રેમ કરે છે. સપનાના પિતા (નીરજ સૂદ)ને દીકરીની ચિંતા છે. તે વારંવાર દીકરાને કેદારનાથ સાથે લગ્ન કરવાનું કહે છે. જોકે, કેદારનાથ બહેનોના લગ્ન ના થાય ત્યાં સુધી લગ્ન નહીં કરે તેમ કહીને થોડો સમય માગે છે. કેદારનાથ દુકાન ગીરવી મૂકીને બહેન ગાયત્રી (સાદિયા ખતીબ)ના લગ્ન કરાવે છે. અન્ય બહેનોના લગ્ન માટે કેદારનાથ પોતાની કિડની વેચી નાખે છે. રક્ષાબંધનના દિવસે તે હોસ્પિટલથી પરત ફરે છે, ત્યારે તેને જાણ થાય છે કે દહેજના ત્રાસથી પરિણીત બહેન ગાયત્રીએ આત્મહત્યા કરી લીધી છે. હવે બાકીની ત્રણ બહેનોના લગ્ન થશે? કેદારનાથ પોતે લગ્ન કરશે? આ સવાલના જવાબ જાણવા માટે તો થિયેટરમાં જવું પડશે.
દમદાર એક્ટિંગ
ફિલ્મની શરૂઆત ઇમોશનલ તથા હાસ્ય સાથે થાય છે. અક્ષય કુમાર તથા ભૂમિની એક્ટિંગ સુપર્બ છે. સપનાના પિતાના રોલમાં નીરજનું કાસ્ટિંગ પર્ફેક્ટ છે. મેચમેકરના રોલમાં સીમા પાહવાની સ્ક્રીન પ્રેઝન્સ સારી છે. બહેનોના રોલ કરનાર શાહઝમીન કૌર, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત તથા સાદિયા ખતીબે સારું કામ કર્યું છે.
ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમ તથા દહેજની કુપ્રથાનો મુદ્દો સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ઓવરઓલ ફિલ્મ એક સમયે હસાવે છે તો બીજી જ ક્ષણે રડાવે પણ છે. ફિલ્મ વચ્ચે વચ્ચે નબળી પડી જાય છે.