જ્યારે આપણે મુસીબતમાં ફસાઈ જઈએ તો ઘર-પરિવારના લોકો અને ઘણીવાર પરિવારની બહારના લોકો પણ આપણી મદદ કરતાં હોય છે. જે આપણો સાથ આપતા હોય, તેમને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. જ્યારે આપણો મદદગાર કોઈ મુસીબતમાં ફસાય તો આપણે તેની મદદ જરૂર કરવી જોઈએ. આ વાત કુંતીએ પોતાના પાંચ પુત્રોને સમજાવી હતી.
મહાભારતની ઘટના છે. પાંચ પાંડવો કુંતીની સાથે જંગલમાં નિવાસ કરી રહ્યાં હતાં. વનવાસ દરમિયાન તેઓ એક ગામમાં પહોંચ્યા, જ્યાં એક રાક્ષસ રોજ આવતો અને ગામના લોકોને ખાઈ જતો. જ્યારે કુંતી અને પાંડવો એ ગામમાં પહોંચ્યા, ત્યારે એક બ્રાહ્મણ પરિવાર રાક્ષસનું ભોજન બનવાનો હતો.
ગામના લોકો કુંતી અને પાંચ પાંડવોને ઓળખતા ન હતાં. જ્યારે કુંતીએ એ વાત જાણી તો કુંતી એ બ્રાહ્મણને બોલી કે તમારો નાનકડો પરિવાર છે. આજે તમે પોતાના પરિવાર સાથે એ રાક્ષસ પાસે ન જશો. આજે મારો પુત્ર એ રાક્ષસ પાસે જશે.
બ્રાહ્મણ બોલ્યો કે આ વાત યોગ્ય નથી. હું મારા પરિવારને બચાવવા માટે કોઈ બીજાની બલી નહીં આપી શકું.
કુંતીએ એ વ્યક્તિને સમજાવ્યો કે મારા પાંચ પુત્રોમાંથી એક પુત્ર એવો છે, જે એ રાક્ષસને મારી શકે છે. તમે ચિંતા ન કરો. આજે એ રાક્ષસથી આ ગામને મુક્તિ મળી જશે.
કુંતીએ ભીમને કહ્યું કે આજે તુ આજે એ રાક્ષસ પાસે જા અને તેનો અંત કર.
આ વાત સાંભળીને યુધિષ્ઠિરે કુંતીને કહ્યું કે આ વાત યોગ્ય નથી. તમે પોતાના પુત્રને મરવા માટે મોકલી રહી છો.
કુંતીએ પાંચ પાંડવોને સમજાવ્યા કે તમારી વાત સાચી છે, પરંતુ હું જાણું છું કે ભીમ ખૂબ જ બળવાન છે અને મને ભરોસો છે કે તે એ રાક્ષસનો વધ કરી દેશે. ભીમને લીધે જ આ ગામના લોકોને રાક્ષસથી મુક્તિ મળી જશે. ગામના લોકોએ આપણી મદદ કરી છે અને આપણું કર્તવ્ય છે કે તેમની મુસીબતમાં આપણે તેમની મદદ કરીએ.
ત્યારબાદ ભીમ એ રાક્ષસ પાસે ગયો અને તેનો વધ કરી નાખ્યો.