શહેરમાં લાલગલાટ ફાંસીઓના ફેંસલા વચ્ચે ખરેખર ફરિયાદીઓને ઝડપી ન્યાય મળ્યો છે કે કેમ એ સવાલ હાલ ચર્ચાસ્થાને છે. સુરતમાં કુલ આઠ ફાંસીના ફેંસલા કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા સવા વર્ષમા જ પાંચ ફાંસીની સજાઓ થઈ છે. જો કે, એક ફાંસીનો ફેંસલો હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો જ્યારે એક ફેંસલાને હાઇકોર્ટની મંજૂરી મળી ગઈ છે અને છ ચુકાદાઓમાં હજી મંજૂરી આવી નથી.
2006-07માં ઘોડદોડની આમ્રકુંજ સોસાયટીમાં ડબલ મર્ડરના કેસમાં શહેરમાં પહેલી ફાંસીનો હુકમ કરાયો હતો. 2018માં બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં અનિલ યાદવને ડિસેમ્બર-2019માં ફાંસીની સજા થઈ હતી. જ્યારે વર્ષ 2021 અને 2022 થી અત્યાર સુધી કુલ 6 ફાંસીની સજા થઈ છે.
ચકચારી ફેનિલ ગોયાણીનો કેસમાં પણ હાલ કોઈ વધારાનો આદેશ આવ્યો નથી. સેશ્ન્સ કોર્ટથી હજી સુપ્રિમ કોર્ટ અને ત્યાંથી રાષ્ટ્રપતી સુધીની દયાની અરજીનો નિકાલ થતા કેટલો સમય લાગશે સમજી શકાય એવી બાબત છે. કોર્ટના ચુકાદા બાદ તેને લોકો સુધી સરકારની ઉપલબ્ધિ સમજાવવા જનતા સમક્ષ આવી જતા નેતાઓએ પણ આ મામલે ઝડપથી ન્યાય મળે એ મામલેના પ્રયાસો કરવા જરૂરી બની જાય છે.