રાજકોટમાં રહેતા અને ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને ચોક્કસ કંપનીના આઇપીઓમાં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિત ત્રણે રૂ.8.75 કરોડની છેતરપિંડી આચરી હતી, કારખાનેદાર પોતાની કંપનીનો આઇપીઓ લાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આરોપીઓનો ભેટો થતાં તેણે નાણાં ગુમાવ્યા હતા.
યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે રહેતા અને યુનિવર્સિટી રોડ પર શિવાલિક-2માં ઓફિસ ધરાવતા અશોકભાઇ માવજીભાઇ દુધાગરા (ઉ.વ.50)એ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલકતાના કમલ જવરલાલ કોઠારી, તેના પુત્ર અાનંદ કોઠારી તથાં લિપિકા ભટ્ટાચાર્યના નામ આપ્યા હતા. અશોકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોટન યાનનું ટ્રેડિંગનું કામ કરે છે, અગાઉ એન્જલ ફાયબર લિમિટેડ નામની ફેક્ટરી કાલાવડમાં હતી અને તેમાં કોટનના દોરા બનાવવાનું કામ થતું હતું. વર્ષ 2018માં એન્જલ ફાયબર લિમિટેડ નામની પોતાની પેઢીનો આઇપીઓ લાવવો હોય તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.જી.ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કમલ કોઠારીનો સંપર્ક થયો હતો, એન્જલ ફાયબરના આઇપીઓ માટે બોમ્બે એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું અને તેમની પેઢીના આઇપીઓ લીડ મેનેજર તરીકે ગીનીસ સિક્યુરિટી મુંબઇ-કલકતાના માલિક કમલ કોઠારી હતા અને તેમની ઓફિસ મુંબઇમાં આવેલી છે. કમલ કોઠારી સાથે તેનો પુત્ર આનંદ કોઠારી પણ સાથે ઓફિસમાં બેસતો હતો. આરોપી પિતા-પુત્રએ અશોકભાઇ દુધાગરાને કહ્યું હતું કે, અમે અલગ-અલગ કંપનીના આઈપીઓ લાવવાના છીએ અને તેમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી અશોકભાઇએ ડિસ્પ્લે કોમર્શિયલ પ્રા.લી. તથા પાર્ટન ટ્રેડર્સ પ્રા.લી.માં રૂ.8.75 કરોડનું રોકાણ કર્યું હતું.