ઉપરપાસથી પાણી આવતાં રવિવારે સવારે 6 વાગ્યાથી નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સવારે 6 વાગ્યે 5 દરવાજા ખોલીને 50 હજાર ક્યૂસેક પાણી છોડ્યા પછી દિવસ દરમિયાન 9 દરવાજા 1.50 મીટરની સપાટીથી ખોલી 90 હજાર ક્યૂસેક પાણી છોડાયું હતું. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ હોવાથી નદીમાં કુલ 1.56 લાખ ક્યૂસેક પાણી ભળી રહ્યું છે. ડેમમાંથી દર મિનિટે 26 કરોડ લિટર પાણી નદીમાં ભળી રહ્યું છે. એટલે ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 7.41 ફૂટ નોંધાઈ હતી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 15 દરવાજા ખોલી 2.58 લાખ ક્યૂસેક જ્યારે ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલીને 2.41 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી સરદાર સરોવરમાં આવતાં ડેમની સપાટી ઝડપથી વધવા લાગી હતી.