ચીનમાંથી કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ચીનમાં વધી રહેલા કેસ વચ્ચે દુનિયાના 10 દેશોમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાના પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભારતમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે માંડવિયા સાથેની ગઈકાલની મિટિંગ બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈમેઈલ કરીને કહ્યું છે કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના પ્રકારને શોધી શકાય. આ દિવસોમાં ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર પણ એલર્ટ બની છે.
અમેરિકા સહિત 10 થી વધુ દેશોમાં કોરોના દર્દીઓમાં અચાનક વધારો થયો છે. એટલું જ નહીં અહીં મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકામાં સોમવારે 19 હજાર 893 નવા કેસ નોંધાયા છે. તો એક દિવસમાં 117 લોકોના મોત થયાં છે. સૌથી વધુ 55 હજાર કેસ જર્મનીમાં મળી આવ્યા છે. અહીં 161 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાપાનમાં 72,297 કેસ અને 180 સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. બ્રાઝિલમાં 29,579 કેસ અને 140 મૃત્યુ. દક્ષિણ કોરિયામાં 26,622 કેસ અને 39 મૃત્યુ. ફ્રાન્સમાં 8,213 કેસ અને 178 મૃત્યુનો સમાવેશ થાય છે.