લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષા હવે લેવાનું શરૂ કરી દેવાયું છે. એક દિવસમાં ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટના મોટાભાગના ઉમેદવારોની પરીક્ષા મેટોડા ખાતે આવેલા સેન્ટરમાં લેવામાં આવી રહી છે. અગાઉ જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીને કારણે સ્થગિત કરી હતી. 20મી એપ્રિલે લેવાનારી પરીક્ષા એક દિવસ પહેલાં જ મંડળે સ્થગિત કરતા ઉમેદવારોમાં પણ કચવાટ ફેલાયો હતો. બાદમાં ફરી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ 4 શિફ્ટમાં લેવાનું આયોજન કરાયું છે. નવા કોલલેટર ઓજસની વેબસાઈટ પર મુકાયા છે.
ગ્રૂપ Aની 1926 જગ્યાઓ અને ગ્રૂપ Bની 3628 જગ્યા એમ કુલ 5554 જગ્યા ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રૂપ એ અને ગ્રૂપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે 1 એપ્રિલથી શરૂ થઇ છે. દરરોજના 4 પેપર લેવામાં આવી રહ્યા છે. દરેક પેપર એક કલાકનું હોય છે. આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હોય છે અને 100 માર્ક્સનું પેપર લેવાય છે.