Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીનમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ટપોટપ મૃત્યુ થવાને કારણે સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવા લાઈનો લાગી ગઈ છે તેમ છતાં શી જિનપિંગની સરકાર દેશને ગમે તે ભોગે અનલૉક કરવા ઉતાવળ કરી રહી છે. અર્થતંત્રને ખોલી દેવા માટે ચીન 3 વર્ષ જૂની ઝીરો કોવિડ નીતિ પણ છોડી ચૂક્યું છે. તે જુદાં જુદાં માધ્યમોથી લોકોને સમજાવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ઘાતક નથી. આ સિઝનલ તાવ જેવો છે. દેશના સૌથી પ્રભાવશાળી મહામારી વિજ્ઞાની ઝોંગ નાનશાને તો તાજેતરમાં એમ પણ કહ્યું કે ઓમિક્રોન વાઈરલ શરદીથી વધારે કંઈ છે જ નહીં.

વાઈરસના ફેલાવા વચ્ચે ચીને લોકોને તેમના હાલ પર જ છોડી દીધા છે. અધિકારીઓનું વલણ પણ એવું છે કે વાઈરસ ભલે ફેલાય પણ અર્થતંત્રને ગતિશીલ રાખવા મેન્યુફેક્ચરિંગ અને ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકે નહીં. આ નીતિ હેઠળ શહેરોમાં કર્મચારીઓને સંક્રમિત થવા છતાં કામે પાછા ફરવાનું કહેવાઈ રહ્યું છે. અધિકારીઓએ પશ્ચિમી મહાનગર ચોંગકિંગમાં સરકારી કર્મચારીઓને કહ્યું કે તે લક્ષણ વગર કોરોનાથી સંક્રમિત થાય તો કામે પાછા ફરે. બીજી બાજુ પૂર્વ કિનારા પર મેન્યુફેક્ચરિંગ હબ ઝેઝિયાંગમાં અધિકારીઓએ કહ્યું કે સંક્રમિત થવા છતાં લોકોએ કામ કરવું જોઇએ.

બેકઅપ પ્લાન વિના અનલૉક ભયાવહ : નિષ્ણાતોએ કહ્યું કે ચીનની ઝીરો કોવિડ નીતિ સફળ નીતિ નહોતી. તેને તૈયારી કે બેકઅપ પ્લાન વિના જ ખતમ કરવાનો નિર્ણય કરવાથી ન તો ફક્ત ચીનના લોકોને ખતરો પેદા થયો છે પણ ત્યાંના વેપારીઓને પણ આંચકો લાગ્યો છે. આ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વ સામે પણ સવાલો ઊભા કરે છે. આ નવું સંકટ દુનિયાને હચમચાવી મૂકશે.

30 લાખ મૃત્યુની આશંકા : લંડનની ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ કહ્યું કે ચીનમાં આગામી કેટલાક મહિનામાં 80 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે. એક મેથેમેટિકલ મોડલ અનુસાર આવનારા 3 મહિનામાં ચીનમાં કોરોનાની 3 લહેર આવશે. તેનાથી 30 લાખથી વધુ મૃત્યુ પામી શકે છે.

તાંડવ : દર્દીઓ જમીન પર, ડ્યૂટી પર ડૉક્ટર બેભાન
ચીનમાં હોસ્પિટલમાં અને બહાર ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ચોંગકિંગ શહેરનો વીડિયો આવ્યો છે. જ્યાં એક હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં જ્યાં ત્યાં જમીન પર દર્દીઓ સૂતા છે, ત્યાં બીજી બાજુ ડૉક્ટર દર્દીઓને સીપીઆર આપી રહ્યા છે. ફોટામાં દેખાતો દર્દી પણ વેન્ટિલેટર પર છે. એક અન્ય વીડિયોમાં ડૉક્ટર દર્દીને ચેકઅપ કરતી વખતે અચાનક બેભાન થઈ જતો દેખાય છે.