દેશમાં ડિજિટલ મોડ મારફતે ટ્રાન્ઝેક્શન કરવામાં સરળતા, આવકમાં વૃદ્ધિ તેમજ નાણાકીય સાક્ષરતા જેવા પરિબળો યુવા ભારતીયોને મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ જે 3.33 લાખ રોકાણકારો સાથે રૂ.8,400 કરોડની એસેટ્સનું સંચાલન કરે છે. રિપોર્ટ અનુસાર તેમના રોકાણકારોમાં ઝેન ઝેડ અને મિલેનિયલ્સનો હિસ્સો 56% છે.
મિલેનિયલ્સ એટલે જેમનો જન્મ 1981 થી 1996 વચ્ચે થયો હોય તેવા યુવાનો. જ્યારે 1997 થી 2012ની વચ્ચે જન્મેલા લોકોને જનરેશન ઝેડ અથવા જેન ઝેડ કહેવામાં આવે છે. તેના કુલ 3.33 લાખ રોકાણકારોમાંથી પ્રત્યેક વયજૂથ 18-35 વર્ષ તેમજ 35-45 વર્ષની વયજૂથમાં તેમનો હિસ્સો 28% છે. મોટા ભાગના રોકાણકારો જેમની ઉંમર 18-35 વર્ષની છે તેમાંથી 51% લોકો ડિજિટલ ચેનલ મારફતે આવ્યા છે.
વ્હાઇટઓક કેપિટલના ચીફ બિઝનેસ ઓફિસર પ્રતીક પંતે કહ્યું કે મિલેનિયલ્સ તેમજ જેન ઝેડ જે ડિજિટલ માધ્યમ પર વધુ સક્રિય હોય છે, તેઓ માટે ખાસ કરીને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેવા સેવા પ્રદાતાની પસંદગી કરવી વધુ સહજ છે. વાજબી રિટર્ન, પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ, ઓછી થ્રેસહોલ્ડ મર્યાદા, રોકાણની અનેકવિધ સ્કીમનો વિકલ્પ તેમજ સરળ રીતે રકમ ઉપાડવાની સુવિધા જેવા પરિબળો રોકાણકારોને SIP તરફ આકર્ષિત કરી રહ્યાં છે.