સરકાર હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાદારીને લગતા કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે. તેનાથી ખાસ કરીને જેમના રિયલ એસ્ટેટ ડેવલપર્સ નાદાર થયા છે તે પ્રોજેક્ટમાં મકાન ખરીદનારા ખરીદદારોને વિશેષ રીતે ફાયદો થશે. અત્યારના નિયમોમાં ફેરફાર બાદ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ચૂક્યો હોય તેમાં ખરીદદારોને તેમનો ફ્લેટ સોંપવામાં આવશે. ડેવલપરની વિરુદ્વ નાદારી પ્રક્રિયા ચાલતી હોય તો પણ ખરીદદારોને તે પ્રોજેક્ટમાં ફ્લેટ સોંપવામાં આવશે.
સરકારે ઇન્સૉલ્વેંસી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)માં ફેરફારની તૈયારી કરી છે. સૂત્રોનુસાર ત્યારબાદ નાદારી પ્રક્રિયામાં ફસાયેલા પ્રોજેક્ટનું નિરાકરણ એક સાથે નહીં થાય. અલગ અલગ કેસમાં સમાધાન માટે પણ અલગ અલગ પ્રક્રિયા અપનાવાશે. જો કે કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે સરકારની આ યોજના અંગે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવમાં, તાજેતરના વર્ષોમાં ખાસ કરીને દિલ્હી-એનસીઆર જેવા દેશના કેટલાક શહેરોમાં અનેક પ્રોપર્ટી ડેવલપર નાદાર થયા છે જેને કારણે હાઉસિંગ પ્રોજેક્ટ પણ વિલંબમાં મૂકાયા છે.
અત્યારનો નિયમ શું છે?
જો કોઇ ડેવલપર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ નિવડે છે અને તેમની વિરુદ્વ નાદારીના પ્રક્રિયા શરૂ થાય છે તો સમાધાન ન થાય ત્યાં સુધી તે પ્રોજેક્ટની કામગીરી રોકી દેવાય છે. તેનાથી એ પ્રોજેક્ટમાં ઘર બૂક કરાવી ચૂકેલા ખરીદદારોની મૂડી ફસાય છે.
અત્યારે શું સ્થિતિ છે?
આ વર્ષે જૂન સુધી દેશમાં કોર્પોરેટ ઇન્સૉલ્વેંસીના કુલ 1,999 કેસ પેન્ડિંગ હતા. તેમાંથી 436 કેસ રિયલ એસ્ટેટ સેક્ટરથી જોડાયેલા છે. IBC અંતર્ગત એક નિર્ધારિત સમયમાં કેસની પતાવટમાં ધાર્યા મુજબ સફળતા નથી.
હવે શું યોજના છે?
1 ઇન્સૉલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ (IBC)માં ફેરફાર કરાશે 2 કેસની નોંધણી માટે સેંટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ બનાવાશે 3 આવા કેસના પ્રી-પેકેજ્ડ નિરાકરણ પ્લાનને સરળ બનાવાશે 4. એસેટ્સને અલગ અલગ રીતે હેન્ડલ કરાશે.