ઇનોવેશન અને ટેક્નોલોજીને અપનાવવા સાથે સરકાર ગ્રામ્ય અર્થતંત્રને વેગવાન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. બજેટમાં પણ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા માટે વધુમાં વધુ બજેટ ફાળવણી કરી રહી છે સાથે નેશનલ-મલ્ટીનેશનલ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની આવક વધારવા અને એગ્રી સેક્ટરમાં ઇનોવેશન-ટેક્નોલોજીના માધ્યમથી ઉત્પાદન અને ઉત્પાદકત્તા વધારવા માટે વધુમાં વધુ ખેડૂતોને જોડીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અપનાવી રહ્યાં છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આશાના કિરણ તરીકે ઊભરી આવ્યું છે જે ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બંને માટે સાનુકૂળ તકો રજૂ કરે છે તેમ હાયફન ફૂડ્સના એમડી-ગ્રુપ સીઇઓ હરેશ કરમચંદાનીએ નિર્દેશ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે ભારતના ખેડૂતો અનિશ્ચિત બજારોની રૂખ પર જ કામ કરે છે. બજારમાં થતી વધઘટના લીધે ઘણીવાર તેમને આકરી મહેનત કરી હોવા છતાં નજીવો નફો મળે છે અને કોઈકવાર ખોટ પણ જાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ)નાઅહેવાલ મુજબ ભારતના લગભગ અડધા ખેડૂતો માસિક રૂ. 10,000 કરતાં પણ ઓછી આવક મેળવે છે. આ ઉપરાંત, ખંડિત જમીનો, બિયારણો અને ખાતરો જેવા ગુણવત્તાસભર ઘટકો સુધી મર્યાદિત પહોંચ અને અપૂરતા ટેક્નિકલ જ્ઞાનના લીધે તેમની ઉત્પાદકતા મર્યાદિત રહી જાય છે. અનિશ્ચિતતાના આ વિષચક્રથી નવી ટેક્નોલોજી અને ઇનોવેશનમાં રોકાણ નિરુત્સાહી થાય છે જેના લીધે ગ્રામીણ ભારત વિકાસથી વંચિત રહે છે.