આગામી વખતે સેન્ટ્રલ યુનિવર્સિટી એડમિશન ટેસ્ટ(સીયુઈટી) ફક્ત એનટીએ સેન્ટર અને એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજોમાં જ યોજાશે. આગામી વર્ષથી આ પરીક્ષા વર્ષે બે વાર યોજાશે. આ માહિતી યુજીસીના ચેરમેન એમ.જગદેશકુમારે આપી હતી. ભાસ્કર જૂથ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે 2024થી એન્જિનિયરિંગ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક જ પરીક્ષાના માધ્યમથી પસંદ કરાશે. પછીથી નીટને પણ તેમાં જ સામેલ કરાશે.
સીયુઈટીમાં આવેલી ટેક્નિકલ ખામીઓ વિશે કુમારે કહ્યું કે નીટ તથા જેઈઈમાં ફક્ત 3-3 વિષયોની પરીક્ષા યોજાય છે. જોકે સીયુઈટીમાં 27 ડોમેન સબ્જેક્ટ, 33 ભાષા વિષય તથા એક જનરલ ટેસ્ટ સહિત 61 વિષયોની પરીક્ષા લેવાય છે. નીટ ઓએમઆર બેઝ્ડ ટેસ્ટ છે જે કમ્પ્યૂટર વગર આયોજિત થાય છે. જેઇઈ અને નીટ બંને ત્રણ દિવસમાં બે-બે શિફ્ટમાં પૂર્ણ થઈ જાય છે પણ સીયુઈટીમાં એક વિદ્યાર્થીને તેની પસંદગીનાં 9 પેપર પસંદ કરવાનો વિકલ્પ હતો એટલા માટે વધારે જટિલ અને પડકારજનક બની ગઈ.
બધા વિદ્યાર્થીઓને તેમની પસંદગીનું પ્રથમ સેન્ટર આપવાના કારણે તેની મુદત વધી ગઈ. જ્યારે કોઇ પરીક્ષા 3 દિવસની જગ્યાએ 45 દિવસે યોજાય છે તો સેન્ટર ફેલ થવાની આશંકા વધી જાય છે. જોકે બધાં સેન્ટર પર એક દિવસ પહેલાં મોક ટેસ્ટ યોજાઈ પણ અનેક સેન્ટર પર અચાનક કમ્પ્યૂટર બંધ પડી ગયાં. દિલ્હી સહિત દેશનાં અમુક સેન્ટરોએ છેલ્લી ઘડીએ કહ્યું કે તે પરીક્ષા યોજી નહીં શકે. તેમાં જાણ થઈ કે અમુક સેન્ટરોએ જાણીજોઈને આવું કર્યું હતું.