ભારતીય નૌકાદળમાં સુરત નામનું નવું યુદ્ધજહાજ ઉમેરાશે. પહેલીવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરતમાં યુદ્ધજહાજને ખુલ્લું મુકવામાં આવશે. સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગત માર્ચમાં જહાજના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે હાલ 130 સરફેસ વૉરશીપ તથા 67 વધારાના યુદ્ધજહાજનું નિર્માણ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 16મીથી લઈને 18મી સદી સુધી સુરત સમુદ્રમાર્ગે વેપારનું મોટું કેન્દ્ર રહ્યું હતું. સાથે જ સુરત જહાજોના નિર્માણનું પણ મોટું કેન્દ્ર હતું. સુરતમાં નિર્મિત જહાજો 100થી વધુ વર્ષની આવરદા ધરાવતા હતા. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને નૌકાદળના યુદ્ધ જહાજને સુરત શહેરનું નામ અપાયું છે.